“પરિશ્રમ એ જ પારસમણિ છે.” આ પ્રચલિત ઉક્તિ ને સાર્થક કરનાર એવા શ્રી અરવિંદભાઈ હરજીભાઈ ભાલાળા નો જન્મ ૫ જૂન 1964 ના રોજ અરડોઈ ગામ, તા. કોટડા સાંગાણી, જી. રાજકોટ મુકામે થયો હતો. પિતા હરજીભાઈ અને માતા દુધીબેન ના સ્વપ્નને સાકાર કરવા તેમણે પ્રાથમિક શિક્ષણ અરડોઇ ગામની શાળામાં પૂર્ણ કરી , ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ “શેઠ હાઈસ્કૂલ ” રાજકોટમાં મેળવ્યું હતું. ત્યારબાદ B.sc. માં મુખ્ય વિષય આંકડાશાસ્ત્ર સાથે B.Ed. “મુન્દ્રા કોલેજ” કચ્છ ભુજ માં પૂર્ણ કર્યું હતું. અને M.Ed. ની ડીગ્રી “દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી” સુરત ખાતે પૂર્ણ કર્યું હતું.
ખરેખર, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો આ વાતનો પુરાવો છે “અરવિંદભાઈ ભાલાળા” જેમણે તેમની સ્નાતક, અનુસ્નાતક, શૈક્ષણિક અનુસ્નાતક ડિગ્રીઓ વિના ટ્યુશન, વિના સુવિધા ખેતરમાં કામ કરતાં કરતાં સફળતાપૂર્વક હાંસલ કરી, વિદ્યાર્થીકાળ દરમ્યાન તેઓ એક તેજસ્વી, આજ્ઞાપાલક અને આદર્શ વિદ્યાર્થીનું જાગતું ઉદાહરણ હતા.
વિદ્યા અભ્યાસ પૂર્ણ કરી 5 જૂન 1991 માં શિક્ષણ જગતમાં પ્રથમ પગલું આચાર્ય તરીકે ” નવચેતન વિદ્યાભવન ” માં માંડ્યું. 15 વર્ષના એકહથ્થુ શાસન બાદ જૂન 2006 માં વશિષ્ઠ વિદ્યાલય વાવ ખાતે આચાર્ય તરીકે સફળ ભૂમિકા ભજવી. જ્યાં તેમણે શાળાને “શાળા ગીત” અને “પ્રાર્થના ગીત” ની ભેટ આપી હતી. ત્યારબાદ જૂન 2010માં ” સાધના વિદ્યાભવન” વરાછા રોડ 2015 સુધી આચાર્ય પદે રહ્યા હતા. આ શાળામાં ધોરણ-11,12 સાયન્સમાં A.C. સ્કૂલનો કન્સેપ્ટ વરાછામાં લાવનાર સૌપ્રથમ વ્યક્તિ તરીકે આચાર્યનું બહુમાન તેમણે મેળવ્યું હતું. આમ, કારકિર્દીની શરૂઆતથી જ આચાર્ય પદને સુશોભિત કરનાર એવા શ્રી અરવિંદભાઈ ભાલાળા માત્ર આચાર્ય તરીકે જ સક્રિય કામગીરી નહોતી બજાવી બલકે શિક્ષણ ક્ષેત્રે તમામ સીમાઓને તેમણે પોતાના કુનેહથી તેજસ્વીતા અર્પી છે. શિક્ષણ જગતમાં સહઅભ્યાસ પ્રવૃત્તિઓને વિકાસ વિસ્તાર માટે ઈ.સ. 1991 માં સુરત ખાતે “ગુલમોહર” કલા સંસ્થાની સ્થાપના કરી હતી. . આ ઉપરાંત ગુજરાત રાજ્ય ગણિત-વિજ્ઞાન મંડળના સભ્ય તરીકે 5 વર્ષ કોઓર્ડીનેટર અને નિર્ણાયક તરીકે સેવા આપી હતી.
સુરતના S.S.C અને H.S.C. ઇન્ડેક્સની કામગીરીના અગ્રણી સક્રિય સભ્ય એવા શ્રી અરવિંદભાઈ ભાલાળા “વિદ્યા નિકેતન” હાઇસ્કુલ અમરોલીના ટ્રસ્ટી તરીકે પણ કાર્યરત છે. વિદ્યાલય સીમાડામાં તેમણે દસ વર્ષ સુધી ઉપપ્રમુખ તરીકે સેવા બજાવી. “પુલકેત એજ્યુકેશન ટ્રસ્ટ” સુરતમાં છેક 1999 થી આજ દિન સુધી પ્રમુખ પદ ને શોભાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ શ્રી આગંતક એન્ટરપ્રાઇઝ ગુજરાત રાજ્યની ડિસ્ટ્રીબ્યુટરશીપમાં પણ સેવ આપી રહ્યા છે. સાથે-સાથે K.V. માંગુકિયા જોથાણની શાળામાં શૈક્ષણિક માર્ગદર્શકની ભૂમિકા પણ અદા કરી છે. વિશ્વમાં દીકરીઓના સર્વાંગી વિકાસને પોષતી શ્રેષ્ઠ કન્યાશાળાને જીવનના અંતિમ ધ્યેય સુધી સ્વીકારનાર શ્રી અરવિંદભાઈ ભાલાળા આપણી વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ માં ખજાનચીના પદે ફરજ બજાવી રહ્યા છે. અહીં તેઓ માત્ર ખજાનચીના કાર્યને જ નહીં, બલકે દીકરીઓના વિભિન્ન જરૂરિયાતો તેમજ તેમની શૈક્ષણિક આવશ્યકતાઓના કાર્યને પણ એટલા જ ઉત્સાહથી કરી રહ્યા છે.
ખરેખર, શ્રી અરવિંદભાઈ ભાલાળાએ પોતાના જીવનને સામાજિક, શૈક્ષણિક સેવા કાર્યોથી પરિપૂર્ણ બનાવ્યું છે. ત્યારે આ વિશ્વભારતી પરિવાર માટે તેમનું અમૂલ્ય યોગદાન અને માર્ગદર્શન સુરત જિલ્લાની પ્રથમ ડિજિટલ સ્કૂલને વિશ્વની પ્રથમ લોકપ્રિય સ્કૂલ બનાવશે. એમાં કોઈ શંકાને સ્થાન જ નથી.
વિશ્વભારતી પરિવાર આવા સતત સમર્પિત શ્રી અરવિંદ ભાલાળા ને સત સત નમન પાઠવે છે!!