“યોગ: કર્મસુ કૌશલમ”
ધર્મ-અર્થ-કામ અને મોક્ષ ભગવદ ગીતા ના સાર અને સિદ્ધાંતોને જીવનમાં તાણા-વાણાની જેમ વણી લેનારા એવા શ્રી વિશ્વભારતી ગર્લ્સ ઈન્ટરનેશનલ સ્કૂલના આદ્યસ્થાપક આદરણીય શ્રી દેવચંદભાઈ માધવજીભાઈ સાવજ નો જન્મ તારીખ 5 મી ઓક્ટોબર 1957 ના રોજ મોટા ગોખરવાળા ગામે (તા. જી. અમરેલી) થયો હતો.
મૂળ વતન આંબાગામ તા. લીલીયા, જી. અમરેલી ના રહેવાસી શ્રી દેવચંદભાઈ સાવજે ધો. 4 સુધીનો અભ્યાસ આંબા ગામની પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યો હતો. 12 વર્ષની વયે જવાબદારીઓનો ભાર પોતાના ખભે ઉપાડ્યો હતો. 13 વર્ષની નાની વયે વતન આંબાને અલવિદા કરી, જીવનના સંઘર્ષની શરૂઆત મુંબઈ નગરીમાં હીરાના કારીગર તરીકે કરી હતી. લગભગ ત્રણ વર્ષ મુંબઈમાં પૂર્ણ કરી. 16 વર્ષની ઉંમરે સુરતમાં હીરાના કારીગર તરીકે જ પદાર્પણ કર્યું હતું. તેઓ શ્રી આશરે 18 વર્ષની વયે શ્રી રમીલાબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા. દાંપત્યજીવનની સાથોસાથ સામાજિક અને આધ્યાત્મિક રીતે જીવનને પણ એટલી જ સફળતાથી નિભાવ્યું.
“સાદું જીવન અને ઉચ્ચ વિચાર” – ગાંધીજીના આ સૂત્ર અને ખરા અર્થમાં જીવન જીવનારા એવા દેવચંદભાઈ એક ખ્યાતનામ બિલ્ડર હોવાની સાથે એવા પ્રેમાળ પણ એટલા જ છે. દર વર્ષે સ્વખર્ચે 100 થી વધારે લોકોને વિવિધ પવિત્ર ધાર્મિક સ્થળોની પદયાત્રા કરાવે છે. આ ઉપરાંત પોતાના વતન આંબાગામમાં મંદિર, તળાવ, શાળા, ગૌશાળા અને પાંજરાપોળ પણ બંધાવ્યા છે સાથોસાથ અમરેલી ગર્લ્સ વિદ્યાસંકુલ માં આર્થિક સહાય (દાન) આપી ટ્રસ્ટી તરીકે પણ કાર્યરત છે. શરૂઆતથી જ તેમને દીકરીઓ માટે કંઈક કાર્ય કરવાની ઉમદા ભાવના હતી. જેને નક્કર સ્વરૂપ આપવા “વિશ્વભારતી ગર્લ્સ ઈન્ટરનેશનલ સ્કૂલ” – ભારતની સૌપ્રથમ સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ – માત્ર દીકરીઓ માટે ની શાળા તેમના દિકરી પ્રત્યેના ભાવ નો સચોટ પુરાવો છે. શાળા માં સરસ્વતી માતા નું મંદિર અને યજ્ઞશાળા તેમની ધાર્મિક વૃત્તિનું જીવંત પ્રતીક છે. એક યુવાનને શરમાવે તેવી ધગશ અને ઉત્સાહ સાથે માત્ર 7 મહિનાના ટૂંકાગાળામાં આ વિશાળ અને ભવ્ય શાળાનું બાંધકામ પૂર્ણ કરવા તેઓ 7 મહિના થી તેમના અથાગ પરિશ્રમને પરિણામે તૈયાર થયેલી આ શાળામાં દીકરીઓની નાનામાં નાની સુવિધાનું ધ્યાન રખાયું છે.
સફળતા જેમની દાસી છે. એવા શ્રી દેવચંદભાઈ સાવજ સ્વભાવે શાંતિપ્રિય, પ્રમાણિક, નિષ્ઠાવાન, કર્તવ્યનિષ્ઠ, સેવાપરાયણ, જીવનમાં બીજાથી છેતરાઈ જવું, પરંતુ બીજાને કદાપિ ના છેતરવા – જેવા દિવ્ય ગુણોના સ્વામીની જ્યારે કોઈ જાહેરમાં પ્રશંસા કરે ત્યારે, શરમાળ પ્રકૃતિને લીધે તેઓ નિર્દોષ બાળક ની જેમ હાસ્ય ની સંકોચ અનુભવે છે. માનવ દેહ નશ્વર છે. છતાં તેમના કર્મોને લીધે સંસાર તેમને સદીઓ સુધી યાદ કરશે. ભવિષ્યમાં ” વિશ્વભારતી ગર્લ્સ ઈન્ટરનેશનલ સ્કૂલ” સફળતાના સર્વોચ્ચ શિખર સર કરશે તેનો શ્રેય માત્ર અને માત્ર શ્રી દેવચંદભાઈ સાવજ ને ફાળે જાય છે.
” માનવ સેવા એજ પ્રભુસેવા” – મંત્રના ઉપાસક શ્રી દેવચંદભાઈ સાવજને “વિશ્વભારતી ગર્લ્સ ઈન્ટરનેશનલ સ્કૂલ” પરિવારના કોટી-કોટી વંદન !!!
જય ભારતી!
વિજય હો – વિશ્વભારતી !!!